મામાનું ઘર કેટલે
મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે.
દીવો તો મેં દીઠો, મામો લાગે મીઠો.
મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે.
દીવામાં તો તેલ છે, મામાનું ઘર મહેલ છે.
મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે.
એક બિલાડી જાડી
એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી.
સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ.
તળાવમાં તો મગર, બિલ્લીને આવ્યા ચક્કર.
સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોઢામાં આવી ગયો.
મગર બિલ્લીને ખાઈ ગયો!
વાર્તા રે વાર્તા
વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા.
ચપટી બોર લાવતા, છોકરાને સમજાવતા.
એક છોકરો રિસાયો, કોઠી પાછળ સંતાયો.
કોઠી પડી આડી, છોકરાએ રાડ પાડી.
અરરર... માડી!
ચકીબેન ચકીબેન
ચકીબેન ચકીબેન, મારી સાથે રમવા આવશો કે નહિ?
આવશો કે નહિ?
બેસવાને પાટલો, સુવાને ખાટલો,
ઓઢવાને પીંછા, આપીશ તને આપીશ.
પહેરવાને સાડી, મોરપીંછ વાળી,
ઘમ્મરિયો ઘાઘરો, આપીશ તને આપીશ.
હાથી ભાઈ તો જાડા
હાથી ભાઈ તો જાડા, લાગે મોટા પાડા.
આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ.
હાથી ભાઈ તો જાડા...
ટમેટું રે ટમેટું
ટમેટું રે ટમેટું, નદીએ નાહવા જતું'તું.
ઘી-ગોળ ખાતું'તું, અસ-મસ ને ઠસ...
નદીના પાણી ઠંડા, ટમેટા પડ્યા ગંદા.
ટમેટું કહે મને ઠંડી વાઈ, નાના મામા મને પહેરાવો બંડી.
આટા પાટા ગિલ્લી દંડા
આટા પાટા ગિલ્લી દંડા, કાતો સંતાકૂકડી.
સંતુ બેની ચાલો રમવા, અમે બનાવી ટૂકડી.
લંગડીમાં હું સૌને પકડું, ફાંકો રાખતી નીલમ.
આજ એને હંફાવી દઈએ, ઉતારીએ એની ફિલ્મ.
આવ રે વરસાદ
આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ.
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.
આવ્યો આવ્યો વરસાદ, ઢેબરિયો પરસાદ...
સાયકલ મારી સરરર જાય
સાયકલ મારી સરરર જાય,
ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય.
ડોશીમા ડોશીમા આઘા ખસો,
નહિતર સાયકલ અથડાઈ જશે...
સાયકલ મારી સરરર જાય...
નાનું મારું નાક
નાનું મારું નાક, એ તો સુંઘે ફૂલ ગુલાબનું.
એ તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા કાન, એ તો સાંભળે દઈને ધ્યાન.
એ તો કેવી અજબ જેવી વાત છે!
નાની મારી આંખ, એ તો જોવે કાંક કાંક.
એ તો કેવી અજબ જેવી વાત છે!
મેં એક બિલાડી પાળી છે
મેં એક બિલાડી પાળી છે, તે રંગે રૂપે રૂપાળી છે.
તે હળવે હળવે ચાલે છે, ને અંધારામાં ભાળે છે.
દૂધ ખાય, દહીં ખાય, ઘી તો ચપ-ચપ ચાટી જાય.
તે ઉંદરને ઝટપટ ઝાલે છે, પણ કુતરાથી બીતી ચાલે છે.
તેના દિલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે.
અડકો દડકો
અડકો દડકો દહીં દડૂકો,
પીલું પાકે શ્રાવણ ગાજે.
શ્રાવણ ગાજે શરરર...
પીળા પીળા ખેતર, લીલા લીલા મોલ.
તારા અડબા તે મારા દડબા.
એક કબૂતર નાનું
એક કબૂતર નાનું, એને બહુ ગમે ઉડવાનું.
એ તો ઉડ્યું છાનુંમાનું, તો કબૂતરના પપ્પા બોલ્યા ઘૂ ઘૂ ઘૂ...
કબૂતર તો રોતું જાય, આંસુડા લૂછતું જાય.
તો કબૂતરના મમ્મી બોલ્યા ઘૂ ઘૂ ઘૂ...
બા મને ચપટી વગાડતા
બા મને ચપટી વગાડતા આવડી ગઈ,
મારી ચપટી વાગે છે પટ પટ પટ...
જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ...
પેલો ચકલો ડરે છે, પેલી ચકલી ડરે છે,
એ તો ઉડી જાય છે ઝટ ઝટ ઝટ...
બા મને ચપટી વગાડતા આવડી ગઈ.
કાગડા ભાઈ
કાગડા ભાઈ કાગડા ભાઈ, જરા નીચે આવો ને.
મારું વિમાન પડી ગયું છે, જરા ઉપર લાવો ને.
કાગડા ભાઈ કહે કાં કાં કાં,
હું તો મામાને ઘેર જાઉં હાં હાં હાં...
ટીટોડા ટીટોડા
ટીટોડા ટીટોડા, પાણી ક્યારે લાવશો?
ડુંગરા ડોલે છે, વાદળા બોલે છે.
તળાવડી છલકાય છે, દેડકાં બોલે ડ્રાઉં ડ્રાઉં...
ટીટોડા ટીટોડા, પાણી ક્યારે લાવશો?
ઉંદર ભાઈ
ઉંદર ભાઈને આંખો આવી,
આંખે લીલા ચશ્મા લાવ્યા.
ચશ્મા પહેરી ફરવા ગયા,
ગટરમાં જઈને પડ્યા.
ગટરમાંથી નીકળ્યો સાપ,
ઉંદર ભાઈ તો બાપ રે બાપ!
રેલગાડી છુક છુક
રેલગાડી છુક છુક છુક,
ધૂમાડો તો ભુક ભુક ભુક.
એન્જીન જાય આગળ આગળ,
ડબ્બા જાય પાછળ પાછળ.
ગાડી ઉપડી, સીટી વાગી,
ઘરના સૌ દરવાજા ખોલો...
આવી અમારી રેલગાડી.
મને મમ્મી ગમે
મને મમ્મી ગમે, મને પપ્પા ગમે.
મમ્મી મલાઈ ખવડાવે, પપ્પા બદામ ખવડાવે.
મને તો બહુ ભાવે...
મને દાદા ગમે, મને દાદી ગમે.
દાદા લાડુ ખવડાવે, દાદી વાર્તા સંભળાવે.
મને તો બહુ ગમે...
ધોબી આવ્યો
ધોબી આવ્યો, ધોબી આવ્યો, કપડાં ધોવા આવ્યો.
કેટલાં કપડાં લાવ્યો?
એક, બે, ત્રણ...
ભાઈ આવ્યો, ભાઈ આવ્યો, ભણવા માટે આવ્યો.
કેટલી ચોપડી લાવ્યો?
એક, બે, ત્રણ...