જુઓ જુઓ ને જમાનો બદલાયો...
જુઓ જુઓ ને જમાનો બદલાયો...
આજે ફેશનનાં વાયરા વાય... જમાનો બદલાયો...
પહેલા સીતારામ સીતારામ બોલતા હતા...
આજે બાય બાય ને હેલ્લો બોલાય... જમાનો બદલાયો...
પહેલા બા અને બાપુજી બોલતા હતા..
હવે મમ્મી ને ડેડી બોલાય જમાનો બદલાયો...
પહેલા દૂધ અને દહીં પીતા હતા..
હવે હોટલમાં બોટલ પીવાય... જમાનો બદલાયો...
પહેલા માતાજીનાં ભજન ગાતા હતા..
આજે ફિલ્મનાં ગીતો ગવાય... જમાનો બદલાયો...
પહેલા ગાય અને ભેંસ રાખતા હતા...
હવે કૂતરાને લાડ કરાય... જમાનો બદલાયો...
પહેલા સાસુની સેવા કરતાં હતાં...
હવે ઘરડા ઘરમાં મુકાય... જમાનો બદલાયો...
જુઓ જુઓ ને જમાનો બદલાયો...
આજે ફેશનનાં વાયરા વાય... જમાનો બદલાયો..
મારા મનમાં એવું એવું થાય...
બા એ બા, મારા મનમાં એવું એવું થાય...
કે સાંભળ મારી વાતલડી... બા એ બા...
વર્ષાની વાદળી તું બની જાને...
વરસાદની ધારા હું થાઉં... કે સાંભળ મારી...... મારા મનમાં....
આભનો ચાંદલિયો તું બની જાને...
ચંદાની ચાંદની હું થાઉં... કે સાંભળ મારી.. મારા મનમાં....
આંબાની કોયલ તું બની જાને...
કોયલનો ટહુકો હું થાઉં... કે સાંભળ મારી.. મારા મનમાં....
સાગરની દીકરી સરીતા બની જાને...
ખળખળતું ઝરણું હું થાઉં... કે સાંભળ મારી.. મારા મનમાં...
બાગમાં ખીલ્યા છે ફુલ...
બાગમાં ખીલ્યા છે ફૂલ, ફૂલડાં કોને ચડાવશું...
રામને ચડાવશું ને, સીતાને ચડાવશું...
રામ ગયા છે વનવાસ, ફૂલડાં કોને ચડાવશું... બાગમાં...
રાધાને ચડાવશું ને, કૃષ્ણને ચડાવશું...
કૃષ્ણ ગયા છે ગોકુળ, ફૂલડાં કોને ચડાવશું... બાગમાં...
પાર્વતીને ચડાવશું ને, શંકરને ચડાવશું...
શંકર ગયા છે કૈલાસ, ફૂલડાં કોને ચડાવશું... બાગમાં...
વિષ્ણુને ચડાવશું ને, લક્ષ્મીને ચડાવશું...
વિષ્ણુ ગયા છે વૈકુંઠ, ફૂલડાં કોને ચડાવશું... બાગમાં...
બાગમાં ખીલ્યા છે ફૂલ, ફૂલડાં કોને ચડાવશું...
એક મારી ઢીંગલીને...
એક મારી ઢીંગલીને એવી સજાવું,
બે એના કાનમાં બુટ્ટી પહેરાવું.... એક મારી...
ત્રણ એની નથડીમાં હીરા જડાવું,
ચાર એના હાથમાં ચુડી પહેરાવું... એક મારી...
પાંચ એની આંગળીમાં વીંટી પહેરાવું,
છ એની વેણીમાં ફુલો ગુંથાવું... એક મારી...
સાત એની ઓઢણીમાં તારલા ટંકાવું,
આઠ એની ઘાઘરીમાં મોરલા ચીતરાવું... એક મારી...
નવ એની ઝાંઝરીમાં ઘૂઘરી ટંકાવું,
દસ એ દશેરાએ ગરબે ઘુમાવું.... એક મારી...
બાગમાં ફરવાને ગ્યા'તાં...
બાગમાં ફરવાને ગ્યા'તાં કે...
ઢીંગલીબેન લપસી પડચા'તા...
હું તો મારી ઢીંગલી માટે ડૉક્ટર બોલાઉં...
પાટો બાંધીને સૂવડાઉં કે...
ઢીંગલીબેન લપસી પડચા'તા... બાગમાં...
હું તો મારી ઢીંગલી માટે લાડુ બનાવડાવું,
લાડુ ખાઈને થયા તાજાં કે...
ઢીંગલીબેન લપસી પડચા'તા... બાગમાં...
હું તો મારી ઢીંગલી માટે શીરો બનાવડાવું,
શીરો ખાઈને થઈ જાડાં કે...
ઢીંગલીબેન લપસી પડચા'તા.. બાગમાં...
બાગમાં ફરવાને ગ્યા'તાં કે...
ઢીંગલીબેન લપસી પડચા'તા...
કોયલ કૂ કૂ ગાય...
કોયલ કૂ કૂ ગાય, મને ગાવાનું મન થાય...
ગાવાનું હું શરૂ કરૂં ત્યાં, પપ્પા મારા ખીજાય... કોયલ...
ચકલી ચૂં ચૂં ગાય, મને ખાવાનું મન થાય...
ખાવાનું હું શરૂ કરૂં ત્યાં, મમ્મી મારી ખીજાય... કોયલ...
ઉડતું પતંગિયું જોઈ, મને ઉડવાનું મન મન થાય....
ઉડવાનું હું શરૂ કરૂં ત્યાં, નીચે પડી જવાય... કોયલ...
પથારીએ સૂતા, મને કઈ કઈ વિચાર થાય...
સૂવાનું હું શરૂ કરૂં ત્યાં, સાપને સરી જવાય... કોયલ...
મારી ઈચ્છા પૂરી થાય, મને ગમતું બધું જ થાય...
ગાવાનું હું શરૂ કરૂં ત્યાં સૌ કોઈ રાજી થાય... કોયલ...
-માણેકલાલ ટી. સોની
ડિસ્કો કાના ડિસ્કો...
ડિસ્કો કાના ડિસ્કો કાનુડો ટનાટન છે.
મેથી વીણીને મેતો થેપલા બનાવ્યા.
થેપલા ખાવા આવરે કાના...
થેપલા ટનાટન છે...ડિસ્કો...
છાશ વલોવી મેં તો માખણ બનાવ્યું,
માખણ ખાવા આવરે કાના.
માખણ ટનાટન છે...ડિસ્કો...
વનરા તે વનમાં રાસ રમાય છે,
રાસ રમવા આવરે કાના.
ગોપીઓ ટનાટન છે...ડિસ્કો...
જાંબુડો કોણે વાવ્યો...
જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે...
જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે...
જાંબુડો કેમ વાવ્યો, કેમ વાવ્યો કેમ વાવ્યો રે...
જાંબુડો આમ વાવ્યો, આમ વાવ્યો, આમ વાવ્યો રે...
પાણી કોણે પાયું, કોણે પાયું, કોણે પાયું રે...
પાણી અમે પાયું, તમે પાયું, સૌ એ પાયું રે...
પાણી કેમ પાયું, કેમ પાયું, કેમ પાયું રે...
પાણી આમ પાયું, આમ પાયું, આમ પાયું રે...
જાંબુડો કેવડો થયો, કેવડો થયો, કેવડો થયો રે...
જાંબુડો આવડો થયો, આવડો થયો, આવડો થયો રે...
જાંબુડા કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા રે...
જાંબુડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે...
જાંબુડા કોણે ખાધા, કોણે ખાધા, કોણે ખાધા રે...
જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે...
જાંબુડા કેવા લાગ્યા, કેવા લાગ્યા, કેવા લાગ્યા રે...
જાંબુડા ખાટા લાગ્યા, મીઠા લાગ્યા, તૂરા લાગ્યા રે...
જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે...
જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે...
લીલી પીળી બસ ચાલી જાય...
લીલી પીળી બસ ચાલી જાય...
ચાલી જાય.. ચાલી જાય...
એક ટકોરે અટકે... બે ઉપડી જાય...
ઉપડી જાય.... ઉપડી જાય...
કાળા ડામરના રસ્તા...
આવે છે સામા ધસતાં...
નદીઓ નીચેથી સરકી જાય...
સરકી જાય... સરકી જાય...લીલી પીળી બસ...
બારી પાસે હું બેસું...
જોતો હું ગાયો ભેંસું...
ઊંટની વણઝાર... ચાલી જાય...
ચાલી જાય... ચાલી જાય...
લાંબો કંડક્ટર આવે...
ટીક ટીક ટીક ટીકિટ કાપે...
છૂટા પૈસા આપો મારા ભાઈ...
મારાભાઈ... મારા ભાઈ...
લીલી પીળી બસ ચાલી જાય...
ચાલી જાય.. ચાલી જાય...
ગામની વચ્ચે તલાવડી...
ગામની વચ્ચે તલાવડી ને તલાવડીમાં માછલડી,
માછલડીની આંખો કેવી ગોળ કેવી ગોળ છે...
તળાવ વચ્ચે પથ્થર, શું એની પાછળ મગર,
ના ના એ તો કાચબાની ડોક લાંબી ડોક છે ... ગામની ...
કલકલિયો કિનારે રે, પટાક ડૂબકી મારે.
માછલડી પકડે એવો ચોર મોટો ચોર છે ... ગામની ...
ભેસ મોટી ભારે છે, આવી તળાવ આરે છે,
કીચડમાં નહાવા ના એના કોડ મોટા કોડ છે ... ગામની ...
કાનાના ગોરા ગોરા ગાલ...
કાનાના ગોરા ગોરા ગાલ,
એના વાંકડિયા છે વાળ...
મને કાનુડો બોવ કવરાવે છે....
હું તો છાશ લેવા ગઈ તી...
મારી છાશ ઢોળી નાખી...
મારી મટકી ફોડી નાખી.... મને કાનુડો...
હું તો દહીં લેવા ગઈ તી...
મારું દહીં ઢોળી નાખ્યું...
મારી મટકી ફોડી નાખી.... મને કાનુડો...
હું તો દૂધ લેવા ગઈ તી...
મારું દૂધ ઢોળી નાખ્યું...
મારી મટકી ફોડી નાખી.... મને કાનુડો...
હું તો માખણ લેવા ગઈ તી...
મારું માખણ ઢોળી નાખ્યું...
મારી મટકી ફોડી નાખી.... મને કાનુડો...
કાનાના ગોરા ગોરા ગાલ,
એના વાંકડિયા છે વાળ...
મને કાનુડો બોવ કવરાવે છે....
મેં તો હોશે બનાવ્યા...
મેં તો હોશે બનાવ્યા પતરવેલિયા રે...
મેં તો લોટ બાંધવા બેસાડ્યા ધર્મેન્દ્રસાહેબ ને રે...
એ તો બાંધે છે ઢીલો ઢફફ... મેં તો હોશે...
મેં તો વણવા બેસાડ્યા મનીષાબેન ને રે...
એ તો વણે છે લાંબુ લસસસ... મેં તો હોશે...
મેં તો તળવા બેસાડ્યા કિંજલબેન ને રે...
એ તળે છે કાચું કચચચ...
મેં તો હોશે...
મેં તો જમવા બેસાડ્યા અરવિંદસાહેબને રે...
એ તો જમે છે ઠૂસો ઠસસસ...
મેં તો હોંશે...
મેં તો હોશે બનાવ્યા પતરવેલિયા રે...
રેલગાડી સરરર સરરર જાય...
રેલગાડી સરરર સરરર જાય... (૨)
રેલમાં બેઠે ગુજરાતી લોકો... (૨)
ગુજરાતી આહા ગુજરાતી ઓહો
ગુજરાતી ગરબા રમતા જાય... (૨)
રેલગાડી...
રેલમાં બેઠે પંજાબી લોકો... (૨)
પંજાબી આહા પંજાબી ઓહો
પંજાબી ભાંગડા લેતા જાય... (૨)
રેલગાડી...
રેલમાં બેઠે રાજસ્થાની લોકો... (૨)
રાજસ્થાની આહા રાજસ્થાની ઓહો
રાજસ્થાની ઘૂમર લેતા જાય... (૨)
રેલગાડી...
રેલમાં બેઠે મરાઠી લોકો... (૨)
મરાઠી આહા મરાઠી ઓહો
મરાઠી લાવણી લેતા જાય...
રેલગાડી...
ધોળા ધોળા બગલા...
ધોળા ધોળા બગલા તમે ક્યાં ચાલ્યા?
અમે નદીકિનારે જઈએ,
ઝટપટ માછલા પકડી લઈએ,
એવા ધોળા ધોળા અમે બગલા રે છીએ...
ધોળા ધોળા હંસલા તમે ક્યાં ચાલ્યા?
અમે માન સરોવર જઈએ,
સાચા મોતી વીણી લઈએ,
એવા ધોળા ધોળા અમે હંસલા રે છીએ...
ધોળા ધોળા સસલા તમે ક્યાં ચાલ્યા?
અમે બાગ બગીચે જઈએ,
ઝટપટ ગાજર વીણી ખાઈએ,
એવા ધોળા ધોળા અમે સસલા રે છીએ...
વડલા સાથે દોસ્તી...
વડલા સાથે દોસ્તી મારે પાંદડા સાથે દોસ્તી
હર્યા ભર્યા... આહા... હાહા... (૨)
હર્યા ભર્યા પંખીઓના ટહુકા સાથે દોસ્તી..
વડલા સાથે...
તળાવ સાથે દોસ્તી, મારે દરિયા સાથે દોસ્તી
વાંકા ચૂકા... આહા... હાહા... (૨)
વાંકા ચૂકા નદીઓના નાળા સાથે દોસ્તી..
વડલા સાથે...
પપ્પા સાથે દોસ્તી, મારે મમ્મી સાથે દોસ્તી
વ્હાલા વ્હાલા... આહા... હાહા... (૨)
વ્હાલા વ્હાલા દાદા અને દાદી સાથે દોસ્તી..
વડલા સાથે...
લાડુ સાથે દોસ્તી, મારે ગાંઠિયા સાથે દોસ્તી
વાંકી ચૂકી... આહા... હાહા... (૨)
વાંકી ચૂકી જલેબીના ગૂંચળા સાથે દોસ્તી..
વડલા સાથે...
અડકો દડકો
અડકો દડકો દહીં દડૂકો,
પીલુ પાકે, શ્રાવણ ગાજે,
ઊલ મૂલ ધતૂરો, ફૂલ...
સૂઈ જા બેટા હું છું કૂલ...
મમ્મી નાની હતી ત્યારે...
મમ્મી નાની હતી ત્યારે (૨)
હતી સાવ બુદ્ધુ (૨)
પાણીને ભુ કહેતી, ને દૂધને કહેતી દૂધુ રે દૂધુ
પપ્પા નાના હતા (૨)
હતા સાવ ભૂત (૨)
પગમાં ટોપી પહેરે ને માથે પહેરે બુટ
મમ્મી નાની હતી ત્યારે
મારા કાકા નાના હતા (૨)
રોતલ હતા સાવ (૨)
બિલાડી ભાળી ડરી પડે ને બોલે આવ્યો વાઘ...
મમ્મી નાની હતી ત્યારે
બા મેં તો બાગમાં બાંધી નિશાળ...
બા મેં તો બાગમાં બાંધી નિશાળ (૨)
ભણવાને આવે છે ચકલીઓ ચાર (૨)
બા મેં તો...
નાની ખિસકોલી ભણવામાં પેલી (૨)
આવે છબીલી સૌથી એ વહેલી
જરા ના બોલે એ તો સૌથી શરમાય.. બા મેં તો...
વચમાં ને વચમાં હું પોપટ બેસાડું (૨)
વટમાં વટમાં હું સીટી વગાડું
સીટી વગાડું ના લાગે નવાઈ.. બા મેં તો...
નખરાળી કાબર ને છેલ્લે બેસાડુ, (૨)
કચકચ કરે તો એને આંખો દેખાડું
ખોટો હું એને મારું ન માર.. બા મેં તો... (૨)
નાના અમથા વાંદરાભાઈને...
નાના અમથા વાંદરાભાઈ ને સિનેમાનો શોખ (2)
ઝભ્ભો પહેર્યો, ધોતી પહેરી, ટોપી પહેરી આમ...
નાના અમથા...
લાકડી લીધી ચશ્મા પહેર્યા,
સ્કૂટર ચલાવે આમ...
નાના અમથા...
ફર્સ્ટ ક્લાસની ટિકિટ કઢાવી,
જોવા બેઠા આમ...
નાના અમથા...
સિનેમામાં થયો ધડાકો
વાંદરાભાઈ તો ગભરાઈ ગયા
આમ દોડે તેમ દોડે
સ્કૂટર પડ્યું આમ... (૨)
નાના અમથા...
લીલુડી સીમમાં..
લીલુડી સીમમાં ઝૂલે છે બોરડી
રાતુડા આવ્યા અપાર રે...
ચાલોને ચણી બોર ચાખવા...
કોઈ કોઇ કાચા ને કોઈ કોઈમાં પાકા
વચ્ચે છે કાંટાની હાર રે...
ચાલોને ચણી બોર ચાખવા...
તાકીને પાડજો, રાતુડા વિણજો...
ગજવા ભરીલો બે-ચાર રે...
ચાલોને ચણી બોર ચાખવા...
ચાલો વિદ્યાર્થી ચાલો શિક્ષકો
રાતા-પીળા, ખાટા-મીઠા બોર રે...
ચાલોને ચણી બોર ચાખવા...
લીલુડી સીમમાં ઝૂલે...
મારે નાના ગોવાળિયા થાવું છે...
મારે નાના ગોવાળિયા થાવું છે
મારે ગાયો ચરાવવા જાવું છે.
ઊંચેરા વડલાની ઊંચેરી ડાળીએ,
બેસી ને પાવો વગાડવો છે... મારે...
ઊંચા વડલાની ઊંચેરી ડાળીએ,
હીંચકો બાંધી મારે હીંચવું છે... મારે...
બાજરાનો રોટલો ને ગોળનું ટુકડો,
છાંયે બેસી ને મારે ખાવો છે... મારે...
આથમતા જાતા સૂરજની સાથે,
ગાયો લઈ ઘરે જાવું છે... મારે...
સમી તે સાંજના રામનામ લઈને,
પથારીમાં સુઈ જવું છે... મારે...