મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે...
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણ કમળમાં, મુજ જીવનનો અર્ધ્ય રહે...
દીન હીન ને દુખિયા દેખી, આંસુ મારા વહ્યા કરે,
એ દુઃખીયાના દુઃખ દૂર કરવા, ઉદ્યમ મારો રત રહે...
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તો ય સમતા ચિત્ત ધરું...
ચિત્ર વિચિત્ર ગતિ છે જગની, પુણ્ય પાપના ઘર્ષણથી,
ઘટનાઓથી મુક્ત રહીને, મધ્યસ્થ ભાવે હું રહું...
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે...
જીવન અંજલિ થાજો
જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો.
ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,
દીન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ન ધરાજો...
મારું જીવન અંજલિ થાજો...
સતની કાંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો,
ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો...
મારું જીવન અંજલિ થાજો...
વણ થાક્યા ચરણો મારા, નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને, તારું નામ રટાજો...
મારું જીવન અંજલિ થાજો...
વમળોની વચ્ચે નૈયા મુજ, હાલક ડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીયે ઓલવાજો...
મારું જીવન અંજલિ થાજો...
મંદિર તારું વિશ્વ રૂપાળું
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે,
પળ પળ તારા દર્શન થાયે, દેખે દેખણહારા રે...
નહી પુજારી નહી કોઈ દેવા, નહી મંદિરને તાળા રે,
નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે...
વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિ ગણ સારા રે,
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે...
વાત મુજને, ફૂલ કહે છે, શ્વાસ મુજને, ફૂલ કહે છે,
ખુશ્બુ તારી, લઈને આવે, મસ્ત પવન ના ધારા રે...
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે...
મંગલ મંદિર ખોલો
મંગલ મંદિર ખોલો, દયામય ! મંગલ મંદિર ખોલો...
જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઉભો શિશુ ભોળો,
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાસ્યો, શિશુને ઉરમાં લ્યો લ્યો,
દયામય ! મંગલ મંદિર ખોલો...
નામ મધુર તમ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો,
દિવ્ય તૃષાતુર આવ્યો બાલક, પ્રેમ અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મંદિર ખોલો...
અસત્યો માંહેથી
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા,
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા,
તું હિણો હું છું તો તુજ દર્શનનાં દાન દઈ જા...
પિતા પેલો આઘે, જગત વીંટળાયે સાગર રહે,
અને વેગે પાણી, સકળ નદીઓના તે ગમ વહે,
વહો એવી નિત્યે, મુજ જીવનની શૈલ સરિતા,
પિતા પેલો આઘે, જગત વીંટળાયે સાગર રહે...
એક જ દે ચિનગારી
એક જ દે ચિનગારી, મહાનલ ! એક જ દે ચિનગારી...
ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી...
મહાનલ ! એક જ દે ચિનગારી...
ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આભ અટારી,
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી...
મહાનલ ! એક જ દે ચિનગારી...
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી,
વિશ્વાનલ હું અધિક ન માંગું, માંગું એક ચિનગારી...
મહાનલ ! એક જ દે ચિનગારી...
નૈયા ઝુકાવી મેં તો
નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો, જોજે રે બુઝાય ના...
સ્વારથનું સંગીત ચારે કોર બાજે,
કોઈ નથી કોઈ નથી, મુજને અવાજે,
અંધકાર વ્યાપ્યો મારે, જોજે અટવાય ના...
નૈયા ઝુકાવી મેં તો...
પાપના પથ્થર મેં તો, નાવમાં ભર્યા છે,
માનવ મટીને મેં તો, દાનવ કર્યા છે,
કેમ કરી નાવ મારી, હાલક ડોલક થાય ના...
નૈયા ઝુકાવી મેં તો...
શ્રદ્ધાના શઢ મારે, તારું છે સુકાન,
નાવિક બનીને તું, આવજે ભગવાન,
નાવિક વિનાની મારી નાવડી લૂંટાય ના...
નૈયા ઝુકાવી મેં તો...
વૈષ્ણવ જન તો
વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે,
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે...
સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે...
મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે...
વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે,
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે...
સર્વ ધર્મ પ્રાર્થના
તું હી રામ હૈ, તું રહીમ હૈ,
તું કરીમ કૃષ્ણ ખુદા હુઆ,
તું હી વાહેગુરુ, તું જીસસ મસીહ,
હર નામ મેં તું સમા રહા...
તેરી જાત પાત કુરાન મેં,
તેરા દર્શ વેદ પુરાણ મેં,
ગુરુ ગ્રંથજી કે બખાન મેં,
તું હી એક સબ મેં લખા રહા...
તું હી રામ હૈ, તું રહીમ હૈ...
હમ કો મન કી શક્તિ દેના
હમ કો મન કી શક્તિ દેના, મન વિજય કરેં,
દૂસરોં કી જય સે પહલે, ખુદ કો જય કરેં...
ભેદ-ભાવ અપને દિલ સે, સાફ કર સકેં,
દૂસરોં સે ભૂલ હો તો, માફ કર સકેં,
જૂઠ સે બચેં રહેં, સચ કા દમ ભરેં...
દૂસરોં કી જય સે પહલે...
મુશ્કિલેં પડેં તો હમ પે, ઇતના કર્મ કર,
સાથ દેં તો ધર્મ કા, ચલેં તો ધર્મ પર,
ખુદ પે હોસલા રહે, બદી સે ના ડરેં...
દૂસરોં કી જય સે પહલે, ખુદ કો જય કરેં...